સુવિચાર :-

"કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે."

ભારતીય સંસ્કારો

સંસ્‍કારોની સંખ્‍યા


શાસ્‍ત્રીય દષ્ટિએ સંસ્‍કાર ગૃહસૂત્રોના વિષયક્ષેત્રમાં આવે છે. છતાં અહીં પણ ‘સંસ્‍કાર’ શબ્‍દનો પ્રયોગ એના વાસ્‍તવિક અર્થમાં ઉપલબ્‍ધ થતો નથી. અહીં સંસ્‍કારોનું નિરૂપણ ગૃહ્યયજ્ઞોના રૂપમાં કરાયું છે. ગૃહ્યસૂત્રોમાં વ‍ર્ણિત સંસ્‍કારોની સંખ્‍યા ૧ર થી ૧૮ સુધીની છે. આશ્ર્વલાયન, પારસ્‍કર અને બૌધાયન ગૃહ્યસૂત્રોમાં સંસ્‍કારોની સંખ્‍યા અનુક્રમે ૧૧,૧૩ અને ૧૩ની દર્શાવાઇ છે. મોટા ભાગનાં ગૃહ્યસૂત્રો અંત્યેષ્‍ટીનો ઉલ્‍લેખ કરતાં નથી. બૌધાયનમાં અંત્‍યેષ્‍ટીને બદલે પિતૃમેધ સંસ્‍કારનો ઉલ્‍લેખ છે. આશ્ર્વલાયન ગૃહ્યસૂત્રમાં નિષ્‍ક્રમણ અને કેશાન્‍ત સંસ્‍કારનો ઉલ્‍લેખ નથી. વારાહ ગૃહ્યસૂત્રમાં ૧૩ અને વૈખાનસમાં ૧૮ સંસ્‍કારોની યાદી છે.
ધર્મસૂત્રોમાં સંસ્‍કારોનું વર્ણન તથા સંખ્‍યા દર્શાવાઇ નથી. છતાં એમાં ઉપનયન, વિવાહ જેવા સંસ્‍કારોના નિયમો જોવા મળે છે. ગૌતમ ધર્મસૂત્રમાં આઠ આત્‍મગુણો સાથે ચાળીસ સંસ્‍કારો ગણાવાયા છે.
સ્‍મૃતિઓમાં ‘સંસ્‍કાર’શબ્‍દનો પ્રયોગ જેનું અનુષ્‍ઠાન વ્‍યકિતના વ્‍યકિતત્‍વની શુદ્ઘિ માટે કરવામાં આવે તેવાં ધાર્મિક કૃત્‍યોના અર્થમાં કરાયો છે. મનુસ્‍મૃતિમાં ગર્ભાધાનથી મુત્‍યુ સુધીના ૧૩ સંસ્‍કાર ગણાવાયા છે. યાજ્ઞવલ્‍કય-સ્‍મૃતિ કેશાંત સિવાયના બીજા સંસ્‍કારો ગણાવે છે. ગૌતમ-સ્‍મૃતિમાં ૪૦ સંસ્‍કારો ગણાવાયા છે. અંગિરા ર૫ સંસ્‍કારો ગણાવે છે. વ્‍યાસસ્‍મૃતિ ૧૩ની સંખ્‍યા ગણાવે છે.
મધ્‍યકાલીન નિબંધગ્રંથો જેવા કે वीरमित्रोदय, स्मृतिचद्रिका અને संस्कारमयूख માં અનુક્રમે ર૫,૧૬ અને ૧૬ સંસ્‍કારોનું વર્ણન કરેલું છે. મોટા ભાગની સ્‍મૃતિઓની જેમ નિબંધોમાં પણ અંતયેષ્ટિ સંસ્‍કાર છોડી દેવાયો છે.
भवदेव (ઇ.સ. ૧૧ મી સદી) ના दशकर्म पद्धति ગ્રંથમાં સંસ્‍કારોની સંખ્‍યા ૧૦ થી ૧૩ની દર્શાવાઇ છે. भिमदेव शर्मा ના षोदशसंस्कारविधि ગ્રંથમાં ૧૬ સંસ્‍કારો નિરૂપાયા છે. સર્વાંશે લોકપ્રીય સંસ્‍કાર ૧૬ છે. તેમાં પ્રાગ્-જન્‍મ સંસ્‍કારો-ગર્ભાધાન, પુંસવન અને સીમંતોન્‍નયન; બાલ્‍યાવસ્‍થાના સંસ્‍કારો-જાતકર્મ, નામ-કરણ, નિષ્‍ક્રમણ, અન્‍નપ્રાશન, ચૂડાકરણ અને કર્મવેધ; શિક્ષણને લગતા સંસ્‍કારો-વિદ્યારંભ, ઉપનયન, વેદારંભ, કેશાંત અને સમાવર્તન; વિવાહ, અને અંતયેષ્ટિ સંસ્‍કારનો સમાવેશ થાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આભાર............